
તદ્દન બાળક હતી ત્યારથી દાદીમાં સાથે ઘરની એક જ દીવાલે આવેલા મંદિરમાં જતી. ‘બા’ એ ફક્ત આપતા જ શીખવ્યું હતું, માંગતા નહીં! આપણે ભગવાન પાસે કંઈ જ માંગવા નથી આવતા એ વિચાર એમનો જેટલો સ્પષ્ટ હતો એટલો સ્પષ્ટ મારામાં રેડયો હતો. હું મંદિરે જતી…
છેક ૨૮ વર્ષે કૈંક માગ્યું અને ના મળ્યું! મારા આટલા વર્ષોનું પુણ્ય – કર્મ દાવ પર હતા પણ ના જ મળ્યું. ૨૧ વર્ષે આભ તૂટે તેવી તકલીફ અંગત જીવનમાં જોઈ; કોઈ ફરિયાદ કે રો-કકળ નહીં, ચુપચાપ આંસુ લુછીને કામ પર લાગી ગઈ. ભણવામાં, જોબમાં અને છેલ્લે તો સામજિક પ્રવૃતિમાં એટલી ગળાડૂબ હતી કે મારી જાત વિષે વિચારવાનો સમય કે પરવાહ જ ના હતી. છત્તા કોઈ રીતે ન્યાય ના મળ્યો, લાયકાત પ્રમાણેની કોઈ વસ્તુ-વ્યક્તિ-જોબ-જીવન-સગવડ-માન ના મળ્યું. પૂરી પ્રમાણિકતાથી દરેક કર્મ નિભાવ્યું, જીવ નીચોવીને કામ કર્યું પણ લગભગ કશેજ કંઈ જ ના ઉગ્યું. આમ કેમ? સવાલોના વાવાઝોડા ઉભા થઇ ગયા. ધર્મ વિષે, કર્મ વિષે, નસીબ વિષે, જીવન વિષે…